અહી આપેલ આર્ટીકલમાં ગુજરાતીમાં સમાજ વિષય પર નિબંધ વિશે માહિતી આપી છે. આ નિબંધ તમને સાહિત્યના અભ્યાસ માટે, સ્પર્ધાત્મક તૈયારી માટે અથવા પરીક્ષામાં ઉપયોગી થશે. આ ઉપરાંત તમે Society Essay in Gujarati PDF ડાઉનલોડ પણ કરી શકો છો.
સમાજ વિશે નિબંધ
ધારો કે તમે કોઈ એવી ટ્રેનમાં બેઠા હોય જ્યાં ચિક્કાર ઘેટા- બકરાંની જેમ માણસો ભર્યા હોય, ત્યારે તમે કેટલી અકળામણ અનુભવો છો? ચારે બાજુ થતાં ઘોંઘાટભર્યા અવાજો, કોઈના ધક્કાથી આગળ અફળાતું પણ જગ્યાના ખીચોખીચ અભાવના લીધે પાછુ આવતું શરીર, ચીસો, ઘોંઘાટ, કોઈના મોબાઇલ ફોનની રીંગ, કોઈના બગલના પરસેવાની તમારા મુખની લગોલગ ગોઠવાઈ રહેલી બદબૂ, શ્વાસ લેવા સહેજ અધ્ધર ઊંચકેલું માથું, શ્વાસ ગુંગળાવી નાખે તેવી હવાની સટોસટ બંધ જેવી અવરજવર અને શ્વાસોશ્વાસની ક્રિયાથી ઊભી થયેલી ગુંગળામણ! આ ફક્ત કોઈ ટ્રેનના ડબ્બાનું દ્રશ્ય નથી. એક રીતે જોતા એક સ્વતંત્રતા ઝંખતા, આઝાદી માંગતા અને સમાજની ભીડથી ઘૂંટન અનુભવતા સેન્સિટીવ અને ક્રિએટિવ વ્યક્તિની જિંદગી છે.
એટલી ટાઈટ રીતે ગોઠવાઈ દેવાયેલી જિંદગી જ્યાં શ્વાસ લેવા મોં અધ્ધર કરો તોય હવાની સાથે જીવતેજીત મારી નાખી તેવી ગુંગળામણમાં જીવન છીનવી લેતી બંધીશો, સગા-સંબંધી અને પરિવારના ઘોંઘાટ ભર્યા, એક ધાર્યા, જીવનને સેટલ કરી લેવા દંભી કહી શકાય તે હદની નોર્મલ કરાયેલી સાંઢ-ઘાટો વગેરેના સડવાથી આવતી ઝેરી ગંધ અને માથું ફેરવી નાખતા અવાજો, તમારા શરીરને બદલે આત્માને પિંખી નાખે તેવી તસોતસ અને સ્વાર્થી સમાજવ્યાપી માન્યતાઓ આ બધું એને એવા ઉઘાડા પાંજરામાં પૂરી દે છે કે જ્યાંથી છટકવું વ્યક્તિ માટે પડકારરુપ બની રહે છે. જ્યાં આત્મા પણ ટ્રેનમાં અફળતા શરીરની માફક સંતુલન વિના આગળ પાછળ થયા કરે, ફક્ત ભીડમાં એ પડે નહીં એટલે બધું બરાબર છે એવો ભાસ થયા કરે છે! જે વ્યક્તિ ઘેટાં -બકરાની ભીડથી અલગ હોય, ક્રિએટિવ અને રિસ્કી હોય, જ્યાં પરિવારની ઈજ્જત અને સમાજની સ્યોરિટી અને સંસ્કૃતિના પાયા હચમચી ના જાય માટે ટ્રેનના ડબ્બાના દરવાજાની જેમ વ્યક્તિની આસપાસ રહેલી તકો, ક્રિએટિવિટી, સ્વતંત્રતા, સાહસ અને ઈચ્છાના દરવાજા બંધ કરી દેવાય છે.
માણસની ઈચ્છા એટલી હોય છે કે કોઈ એને, એની ઈચ્છા ને સમજે અને વ્યથા એ કે કોઈ સમજતું નથી. કાળજુ ભીંસી નાખે તેવી ગુંગળામણને સહન કરવાની સ્કીલને ડહાપણ ગણવામાં આવે છે. અસલમાં તો કોઈને આવા પિંજરામાં રહેવું ગમતું નથી. પણ પોતે જ બંધનો ના તોડી શકે એ બંધનો ભીડ ભેગી કરી બીજા પર લાદી દેવાય છે. પરંતુ સત્ય તો એ છે કે પાંજરા કમ્ફર્ટ આપે પણ, આનંદ ના આપી શકે, સ્વતંત્રતા ના આપી શકે. કોઈને આવા પાંજરા ગમતા નથી. પણ સમાજ સામૂહિક રીતે જ ભીરું છે. વ્યક્તિગત રીતે જડતાઓ ના પોષાય તો સમાજના નામે ટોળું ભેગું કરી સામુહિક ભય છુપાવાય છે.
સમાજને હંમેશા પરિવર્તનથી ડર લાગે છે. આવા વિદ્રોહી તેમના ગોઠવાયેલા ચોકઠાં તોડી નાખશે એવી બીક તેમને સતત સતાવે છે. સમાજને નિયમો પ્રમાણે ચલાવવા અને તે નિયમો ભંગ ન થાય તે જોવામાં ઝેરી કહી શકાય તે હદે પ્રદૂષિત વાતાવરણ પેદા કરાય છે અને આ સામૂહિક ટોક્સિસિટીમાં ભોગ લેવાય છે એવા કુમળા અને ક્રિએટિવ જીવનો જેને થોડી મોકળાશ જોવે છે, જેને ઘડાયેલા નિયમોને બદલે સ્વતંત્રતા અને ક્રિએટિવિટીમાં રસ છે. તેને સમાજની આ સ્થિતિ દુઃખ પહોંચાડે છે તેને સમાજની ચિંતા રહે છે. આવા એકલા રહેતા, એકલા રહેવા માંગતા મનુષ્યને વારંવાર પોતાની વાત કહેવાનું મન થતું હોય છે પણ આ ઘોંઘાટમાં એનો સુર વિલિન થઈ જાય છે. ઘોંઘાટમાં ચૂપ રહેવા છતાં બહારથી સામુહિક રીતે, કારણ વિના, જોરથી ચિલ્લાતાં ટોળાનો જ ભાગ બનીને રહી જાય છે.
સમાજ વ્યક્તિના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને તે માટે હોય છે. એક નૈતિક દિશામાં સમાજ ઉત્થાન કરે તે માટે સામાજિક નિયમો હોય છે. તે નિયમોનો અમલ થાય છે કે નહીં તે માટે અમુક આગેવાનો હોય છે. પણ નિયમોના નામે વ્યક્તિગત સ્વતંત્રતા અને મોકળાશ છીનવી લેતા નિયમો થઈ ગયા અને જે આગેવાનોને નિયમોની દેખરેખ માટે રાખ્યા હતા તે ‘ચોરનો ભાઈ ઘંટી ચોર’ની જેમ ભાળતિયાંઓ સાથે મળીને સમાજનું જ નખ્ખોદ વાળે છે. આ બધાથી વ્યથીત જીવ દિવસેને દિવસે આ બધું જોઈ વ્યથા અનુભવે છે.
ટોળાનો નિયમ હોય છે કે એને જે વ્યક્તિ અલગ હોય તે ખોટો જ લાગે છે. આમ, આ સરઘસને જો કોઈ સાચી વાત, તર્ક, ટકોર કે પછી સામાન્ય મજાક પણ કરે તો ટોળાની લાગણી દુભાઈ જાય છે અને ટોળાનો એવો ઇગો એવો તે બટકાઈ જાય છે કે પછી ટોળું રીતસર બ્રેઇનવોશની પદ્ધતિએ સમાજ અને સંસ્કૃતિ ભાંગી પડશે તેવી સડકછાપ, ઉડાઉ દલીલો દ્વારા એ જ વ્યક્તિને કોઈ ધર્મ કે રાષ્ટ્ર વિરોધી જાહેર કરે છે. પોતે દંભી, ભ્રષ્ટાચારી, ક્રૂર અને ધર્મ કે દેશ માટે સૌથી વધુ જોખમી હોવા છતાં આ ટોળું એ સત્ય બોલતા વ્યક્તિને રાષ્ટ્ર કે ધર્મના રક્ષણના નામે એના વિચારોને જોખમી ગણાવી દે છે.
ભારતીય સમાજ વિશે વાત કરવી હોય તો 21મી સદીના સમાજની વિશેષતાઓ કે પછી એના દોષોની વાત કરવી વ્યાજબી ન ગણાય. કારણ કે,મૂળભૂત રીતે આપણે પ્રાચીન ઉદાર અને પ્રગતિશીલ ભારતીય પરંપરાના વારસ છીએ. આપણે વાસ્તવિક વારસાને ભુલાવી દીધો. પણ મૂળ તો આપણે હજી સુધી પ્રાચીન ભારતના મખમલી ભ્રમમાં જીવવાવાળી પ્રજા છીએ. વાત એવા ભારતીય પ્રાચીન સમાજની કરવી જોઈએ જેણે વાલ્મિકી, વેદવ્યાસ, જયદેવ, કાલિદાસ, નરસિંહ, કબીર, મીરાં જેવા તાર્કિક વ્યક્તિઓની કરવી જોઈએ જેમને પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા એમના વિરોધ છતાં હતી. પણ આપણે તો ૧૪મી થી ૧૮મી સદી સુધીમાં પકડેલી સંકુચિતતા અને મર્યાદાઓને ભારતનો સંપૂર્ણ વારસો બનાવી દીધો છે. અને આ પ્રજા આજે પણ એ જ પરંપરા અને કાળમાં માનસિક રીતે જીવે છે. ફક્ત પોશાક અને જીવન પદ્ધતિ ના માધ્યમો બદલાયા છે!!
સમાજ આમ તો વ્યક્તિઓથી રચાતો સમૂહ છે. જે સમૂહ આદર્શ બનીને આગામી પેઢીના આદર્શોને આંગળી ચીંધવાનું કામ કરે છે. પરંતુ મોટાભાગનો ભારતીય સમાજ જે લોકોથી બનેલો છે તે લોકો વ્યક્તિગત રૂપે જ સ્વભાવથી લુચ્ચા, ટાંટીયા ખેચ કરનારા, ઈર્ષાળુ, જડ અને વૈજ્ઞાનિક તથ્ય તથા રિસર્ચ વગર બોલનારા અને વર્તનારા તથા વૉટ્સઅપમાં આવેલ દરેક માહિતીને વૈજ્ઞાનિક કસોટી એ ઉતાર્યા વગર ફોરવર્ડ કરનારા છે. વ્યક્તિગત અભિગમને સમુદાય, ધર્મ કે રાષ્ટ્ર વિરોધી જાહેર કરી સ્વતંત્ર વિચાર રાખનાર વ્યક્તિને ટ્રોલ કરીને બેસાડી દઈને વિકૃત ગર્વ અને આનંદ પામતો સમાજ છે.
ભવિષ્યના ભારતનો આધાર પ્રાચીન ભારતમાં છે એ વાત સાચી પણ શું પ્રાચીન વારસામાં આપણી પાસે સ્ત્રીઓના ડ્રેસ કોડ કે પછી તેમના પર લડાયેલા ઇસ્લામિક – તાલીબાની નિયંત્રણો હતા? શું આપણે ગાર્ગી કે લોપામુદ્રાના આજની ભારતીય ગૃહિણીની જેમ ફક્ત ઘર કામ કરતા વર્ણનો વાંચ્યા છે? શું એ વિદ્વાન સ્ત્રીઓના દ્રઢ અને બુદ્ધિની કસોટી એ ખરા ઉતરતા અભિપ્રાયોએ ભારતનો વારસો નથી? તો પછી શા માટે અમુક પ્રકારના ચોકઠાંમાં ગોઠવાયેલી સ્ત્રીને આદર્શ સ્ત્રી ગણવામાં આવે છે? અને અમુક રીતે વર્તતા વ્યક્તિને સમાજ માટે લાભદાયક વ્યક્તિ ગણાય છે જ્યારે અમુક લોકોને હાનિકારક ગણાવી દેવાય છે. હા, જે લોકો સાચે જ સમાજ માટે હાનિકારક છે, હિંસક છે, ગુનેગાર છે એવા લોકોનો ચોક્કસ બહિષ્કાર થવો જોઈએ. પણ પોતાનો અભિગમ શાંતિથી રાખતા તથા તાર્કિક વાત કરતા માણસને સમાજ વિરોધી કે પછી સમાજ માટે હાનિકારક ગણી એને ખૂણામાં બેસાડી દેવો શું એ યોગ્ય છે? શું આ સભ્ય સમાજની નિશાની છે?
સમાજરૂપી ઝૂમલો એવો તો નાલાયક છે કે કપડાથી લઈને કેરેક્ટર સુધીનું બધું નક્કી કરી એના અમલ માટે કોઈ પણ હદે જવાની ઝનૂની માનસિકતા ધરાવે છે. મોબ લીંચિંગ કે ઓનર કિલિંગ જેવી ઘટનાઓ તેના ઉદાહરણ છે. આવું ટોળું મૂળ તો સત્તાભૂખ્યું છે. સત્તામાં ભાગીદારીએ ટોળાના પ્રત્યેક વ્યક્તિની વ્યક્તિગત લાગણી છે. જે સમૂહમાં આવતા સામાજિક બને છે. જાતિ કે ધર્મના નામે વોટબેંકની રાજનીતિ દ્વારા ચાલવું એ શું ટોળાના રૂપે ગૂંથી લીધેલા જૂથની નબળાઈનો ફાયદો ઉઠાવવો ન ગણી શકાય? એકલા, નિઃસહાય અને વિવશ વ્યક્તિ પર ધાક જમાવી ધર્મ કે સંસ્કૃતિની રક્ષાનો આનંદ લેતું ટોળું કેમ કોઈ મોટા નેતા કે શક્તિશાળી ગુંડા જેવા વ્યક્તિ સામે સામૂહિક હરફ સુદ્ધાં ઉચ્ચારતું નથી? ભ્રષ્ટાચાર કે બળાત્કારના કેસોમાં ધરણાં કર્યા સિવાય નક્કર પગલાં લેવડાવવાની સામૂહિક બહાદુરી ત્યારે ક્યાં ચાલી જાય છે?
મુદ્દો અહીં સમાજના નામે લોહી ચૂસતા સમૂહોનો બળાપો કાઢી રોવાનો નથી. પણ ખરું દુઃખ તો આ બધામાં મરી પરવારતી ચેતનાઓનું છે. ઊર્જા, આઈડિયાથી છલોછલ ચેતના જે સત્યવાદી, વિજ્ઞાનવાદી અભિગમ વિનાના ટોળાના શક્તિશાળી થવાથી એકલવાયા થઈ જતા એ જીવનું શું થતું હશે? કળાથી ડરતા કટ્ટરોને લીધે આવો ચેતનામય વ્યક્તિ કાં તો થાકી, હારીને કે કંટાળીને ટોળાનો જ ભાગ બની જાય છે કાં તો વ્યક્તિગત અભિવ્યક્તિની મોકળાશ ન મળતા એસ્કેપ થવા નશા, સેક્સ કે ગુનાખોરી જેવી બાબતોમાં ભવિષ્ય અંધારામાં ખોઇ દેશે અથવા અત્યંત સંવેદનશીલ, કળાત્મક, ઇનોવેટિવ માણસને જ્યારે કોઈ રીતે ટોળામાં મોકળાશ મળતી નથી દેખાતી ત્યારે આ બધા બંધનોથી મુક્ત અંતિમ અને સુપ્રીમ મુક્તિ પસંદ કરે છે. જીવ અંદર વલોવાતી બધી વ્યથાઓને ચીરવિરામ આપવાનું પસંદ કરે છે. છતાં તેની સીધી હત્યાનો લગીરે શોખ કે દોષ સમાજ લેતો નથી. પરીક્ષાના પ્રેશરમાં કે પછી જીવન જીવવું હતું તેમ ન જીવાયું અને જિંદગી હોમાઈ જાય એની પાછળ સમાજની શું ભૂમિકા છે એની સમીક્ષા કરવા જેટલી તસ્દી પણ ઉજવળ ભવિષ્ય માટે સંસ્કૃતિના રક્ષકો ભવિષ્યની ઉજળી આશાઓ જેવા વ્યક્તિઓ જીવન ટૂંકાવી દે તોય લેતા નથી.
સમાજ આવા વ્યક્તિઓ માટે પોતાના નક્કી કરેલા નિયમોમાં બાંધ-છોડ કરવા તૈયાર નથી ગમે તેમ વ્યક્તિને ચોકઠાંમાં ફીટ થવું જ પડે. એ ચોકઠાંમાં ફીટ થવા તમારે બદલાવવું પડશે. તમારા હાથ પગ કપાય, લોહી લુહાણ થાવ, અધમુઆ થઈને, કપાઈને પણ તમને એ ચોકઠાંમાં ફિટ થવા મજબૂર કરાય છે. તમે ભલે મરી જાવ, કપાઈ જાવ ચોકઠામાં ગોઠવવા પણ ચોકઠું એનો આકાર નહીં બદલે. સજજડ બંધ ચોકઠું નહીં મોકળું થાય તમે મરીને પણ ચોકઠામાં ગોઠવાઈ જાઓ એવી ટોળાની દાનત હોય છે.
કૂતરાનું ટોળું ભસતું હોય ત્યારે કોયલનું મધુર ગીત ન જ સંભળાય.આ ટોળું ભસવામાં એટલું મશગૂલ હોય છે કે પોતાના ગીત પોતાની ધૂનમાં, કોઈને કનડ્યા વિના શાંતિથી ગાતી કોયલ પણ એનાથી સહન થતી નથી. અને આ ટોળું ભેગું મળીને કોયલને ખાઈ જાય છે. અને ભસવાના અવાજમાં કોયલનું ગીત નહીં સંભળાય એનો પિશાચી આનંદ લે છે.
સમાજમાં વ્યક્તિગત સ્વતંત્રતાની રક્ષા થાય, લોકશાહી પદ્ધતિએ લોકો પોતાના વિચારો રજૂ કરી શકે તથા સમાજ વિરોધી તત્વોને સમાજના અમુક નિયમોનું, અમુક કાયદાઓનો ગેર વ્યાજબી લાભ લેતા રોકવો એ સમાજનો ધર્મ છે. આપણે ભૂલવું ન જોઈએ કે સ્વામી વિવેકાનંદથી શરૂ કરીને ગાંધીજી સુધીના દરેક લોકો સમાજની યોગ્ય વ્યવસ્થામાં બેસાડી શકાય એવી રીતે એમનું જીવન નથી જીવ્યા પણ છતાં એ લોકો આપણા આદર્શ છે. તેથી સમાજે પાછું વળીને તેનું મૂલ્યાંકન કરવું જ રહ્યું.
આ નિબંધ જ્યોતિકા પટેલ દ્વારા લખવામાં આવેલ છે. આ તેમની મૌલિક રચના છે. જેની સાથે ભાષા અભિવ્યક્તિ સહમત હોય તે જરૂરી નથી.
Society Essay in Gujarati
અહીં નીચે બટન પર ક્લિક કરી Society Nibandh in Gujarati ની પીડીએફ ફ્રીમાં Download કરી શકો છો.
તમે નીચે આપેલા નિબંધ પણ વાંચી શકો છો :
Conclusion :
જો આ સિવાય કોઈ વિષય આપને ધ્યાનમા હોય અથવા બીજી વિગત આપવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો તમે અમને [email protected] પર કરી શકો છો.
જો આપ ગુજરાતીનો વિષય સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.