You are currently viewing રુઢિપ્રયોગ એટલે શું?

રુઢિપ્રયોગ એટલે શું?

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય રુઢિપ્રયોગ એટલે શું? (Idiom in gujarati) વિશે માહિતી આપી છે.  આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો.

રુઢિપ્રયોગ એટલે શું? | રૂઢિપ્રયોગનો અર્થ

કોઈ શબ્દ કે શબ્દસમૂહ તેના મૂળ અર્થને બદલે તેના વિશિષ્ટ કે લાક્ષણિક અર્થમાં વપરાતાં રૂઢ થઈ ગયો હોય છે. આને રૂઢપ્રયોગ કે રૂઢિપ્રયોગ કહે છે. રૂઢિપ્રયોગ એવી અભિવ્યકિત, શબ્દ અથવા શબ્દ સમૂહ છે જે તેમાં રહેલા શબ્દના શાબ્દિક અર્થ અથવા તેની શાબ્દિક વ્યાખ્યા કરતાં અલગ અને સામાન્ય વપરાશના સંદર્ભમાં અલંકારિક અર્થ ધરાવે છે.

ઘણી વખત અર્થ જ એક જ થતો હોય અને રૂઢિપ્રયોગ અનેક રીતે લખતા હોય છે તેવું પણ બને  છે. દાખલ તરીકે,…..

એક નાની વાતમાંથી ઝઘડાનું સ્વરૂપ ઊભું થયું એ અર્થ આપતા જુદા જુદા રૂઢિપ્રયોગો આપણી ભાષામાં પ્રચલિત છે, જેમ કે,

  • વાતનું વતેસર થવું
  • રજનું ગજ થવું
  • કાગનો વાઘ થવો
  • રાઈનો પહાડ થવો
  • રામમાંથી રામકહાણી થવી

બીજાં ઉદાહરણો જોઈએ તો : ઊંચા સ્થાનેથી નીચા સ્થાને જવું એ અર્થ આપતા રૂઢિપ્રયોગો :

  • કાકા મટીને ભત્રીજા થવું
  • ઘરધણી મટીને ભાડૂત થવું
  • શેઠ મટીને વાણોતર થવું

આગળ હજુ એક ઉદાહરણ જોઈએ તો , ‘નકામો પ્રયાસ કરવો’ નો  અર્થ આપતા રૂઢિપ્રયોગો:

  • ચીંથરાં ફાડવાં
  • ફીફાં ખાંડવાં
  • પાણીવલોણું કરવું
  • ચાળણીમાં પાણી ભરવું
  • ગોદડે ગાંઠ વાળવી
  • પાણીની ગાંસડી બાંધવી
  • પાણીમાં લીટા કરવા
  • ધુમાડાના બાચકા ભરવા

100+ રૂઢિપ્રયોગ અને તેના અર્થ

  1. માથું કોરાણે મૂકવું – જીવનું જોખમ ખેડવું
  2. હાથ કાળા કરવા – કલંક લગાડનારું કામ કરવું
  3. ઝાટકણી કાઢવી – સખત શબ્દોમાં ઠપકો આપવો
  4. દયા ખાવી – અશક્ત કે નિર્બળ પ્રત્યે લાગણી થવી
  5. માયા લાગવી – મમતા બંધાવી, લાગણીનો સંબંધ થવો
  6. ખો ભૂલી જવી – જિંદગીભર યાદ રહે તેવો પાઠ શીખવો
  7. કાળાંધોળાં કરવાં – ખરાબ કામ કરવાં
  8. છાતી ફાટી જવી – અપાર શોક થવો
  9. જીવ તાળવે રંગાઈ રહેવો – ચિંતાભરી સ્થિતિમાં મુકાવું
  10. પેટનો ખાડો પૂરવો – ભૂખ સંતોષવી
  11. આત્મા ડંખવો – હૃદય ખૂબ દુઃખી થવું
  12. ફજેતી થવી – બદનામી થવી, આબરૂનો ધજાગરો થવો
  13. મિજાજ ગુમાવવો – મગજનું સંતુલન ખોઈ બેસવું, ખૂબ ગુસ્સે થવું
  14. ચીતરી ચડવી – સૂગ થવી, મનને પસંદ ન પડવું
  15. ચસકો લાગવો – ખોટે રવાડે ચઢવું, ટેવને અધીન થઈ વર્તવું
  16. કીર્તિ પ્રસરવી – ખ્યાતિ કે નામના મળવી
  17. ટાઢો શેરડો પડવો – હૃદયને આઘાત લાગવો, ધ્રાસકો લાગવો
  18. આંખો મીંચી દેવી – દિવંગત થવું, મૃત્યુ પામવું
  19. લેવાઈ જવું – દૂબળા પડી જવું, શક્તિ હણાઈ જવી
  20. ઓઈયાં કરી જવું – બીજાની વસ્તુ પચાવી પાડવી, હજમ કરવી
  21. અભરે ભરાવું – સમૃદ્ધ થવું (હોવું)
  22. રગરગમાં વ્યાપી જવું – આખા શરીરમાં ફેલાઈ જવું
  23. તિલાંજલિ આપવી – છોડી દેવું, રૂખસદ આપવી
  24. જીવ ચગડોળે ચડવો –વિચારોની ગડમથલ ચાલવી
  25. ઢંઢેરો પિટાવવો – છાની વાત જાહેર કરવી, ફજેતી કરવી
  26. જમ કરવું – પચાવી પાડવું
  27. નખરાં કરવાં – નાટક કરવું, લટકાં કરવાં
  28. કમાલ કરવી – અન્યને નવાઈ પમાડે એવું પરાક્રમ કરવું નાખી
  29. જગ ખારું લાગવું – સંસારનું સુખ અપ્રિય લાગવું
  30. મન ઊઠી જવું – કોઈ વસ્તુમાં રસ ન રહેવો
  31. હોળી કરવી – સળગાવી મારવું, નાશ કરવો
  32. પેટ ભરીને વાતો કરવી – ખુલ્લા, મોકળા મને વાતો કરવી
  33. ધોખો લાગવો – ખોટું લાગવું, માઠું લાગવું
  34. લવારો કરવો – કશા અર્થ કે સંદર્ભ વિના બકવાટ
  35. મોટા પેટના હોવું – ઉદાર મનના હોવું
  36. અવળું મોઢું કરવું – સામે જોવાનું બંધ કરવું
  37. નિઃશ્વાસ નાખવો – હતાશા કે નિરાશાને કારણે ઊંડો શ્વાસ લેવો
  38. મન વાળી લેવું – મન સાથે વ્યવહારુ ઉકેલ શોધી લેવો , સમાધાન કરવું
  39. ભેખ લેવો – સંન્યાસ લેવો, કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને નીકળી પડવું
  40. હૈયું બેસી જવું – આધાતની લાગણી અનુભવવી
  41. મીંડાં આગળ એકડો માંડવો – શૂન્યમાંથી સર્જન થવું
  42. ધૂળમાં મળવું – કરેલા પ્રયત્નો નિષ્ફળ બનાવવા
  43. દિલમાં અવાજ ઊઠવો – અંતરમાં પ્રેરણા થવી
  44. રોટલો મળી રહેવો – ખાવા પૂરતી વ્યવસ્થા થઈ રહેવી
  45. થાકીને લોથપોથ થઈ જવું – ખૂબ થાકી જવું
  46. હૃદયના તાર ઝણઝણી ઊઠવા – અત્યંત રોમાંચિત થઈ
  47. બોરબોર જેવડાં આંસુ ટપકવાં – અતિશય દુઃખ થયું , મોટાં આંસુ આંખથી પડવાં
  48. હૃદય ભરાઈ જવું – શોક કે દુ:ખથી વ્યથિત થઈ જવું
  49. હાથપગ હલાવવા – મહેનત કરવી
  50. પરસેવો પાડવો – ખૂબ મહેનત કરવી
  51. રંજ હોવો – દિલગીરી હોવી, અફસોસ હોવો
  52. મીટ માંડવી – એકીટશે જોઈ રહેવું
  53. અંગૂઠો બતાવવો – અંગૂઠો અમુક ઢબે બતાવી ઇનકાર સૂચવવો , ચીડવવું
  54. ભરખી જવું – નાશ કરવો, ગળી જવું
  55. ઘરના દેવતાનો વાસો ઊઠી જવો – ઘર સૂમસામ (ભેંકાર) થઈ જવું
  56. આંખ વરતવી – સંકેતથી સમજવું
  57. દરગુજર કરવું – સાંખી લેવું, માફ કરવું
  58. દુઃખમાં અધિક માસ હોવો – ખરાબ સ્થિતિમાં વધુ ખરાબ સ્થિતિ આવવી
  59. ફાંફાં મારવાં – વ્યર્થ પ્રયત્ન કરવો
  60. ઝંખવાણા પડી જવું – છોભીલા પડી જવું, ભોંઠપ લાગવી
  61. કાલાવાલા કરવા – વિનંતી કરવી, આજીજી કરવી
  62. હુંસાતુંસી ચાલવી – ખેંચતાણ કરવી
  63. મહોર લાગી જવી – પ્રમાણિત કરવું, ખાસ કદર થવી
  64. લેણાદેણી પૂરી થવી – લેવડદેવડનો સંબંધ પૂરો થવો
  65. અડવું લાગવું – શોભા વગરનું, સારું ન લાગવું; કાંઈક ખૂટતું, રુચિ બહાર લાગવું
  66. મન ભારે હોવું – ચિંતા કે દુઃખનો બોજ લાગવો
  67. ઘરભંગ થવું – (શ્રી મરવાથી) ઘર ભંગાવું કે પતિ – પત્ની વચ્ચે ઝઘડો થતાં કે અન્ય રીતે પત્નીનું ચાલ્યા જવું
  68. ગળગળા થઈ જવું – અતિશય દુઃખના ભાર નીચે બોલી ન શકાવું થઈ ગયો.
  69. ઠૂંઠવો મૂકવો – મોટેથી, પોક મૂકીને રડવું
  70. ખાતરદારી કરવી – આતિથ્યસત્કાર કરવો, મહેમાનગીરી
  71. દ્રવી ઊઠવું – પીગળી જવું, ઓગળી જવું
  72. મોઢું લાલચોળ થઈ જવું – ખૂબ ગુસ્સે થઈ જવું
  73. ડોકું હલાવવું – હા કે ના કહેવી
  74. ખોટ પૂરી કરવી – ભીડ ભાંગવી, આવી પડેલી મુશ્કેલી ચઢવું દૂર કરવી
  75. આંખ ઝીણી થવી – કંઈ સમજમાં ન આવતાં વિચારે
  76. મગજ ભમવા લાગવું – વ્યગ્રચિત્ત થઈ જવું, બુદ્ધિ ઠેકાણે ન રહેવી
  77. ભભૂકી ઊઠવું – ગુસ્સામાં ગમે તેમ બોલવું
  78. વા સાથે વઢવું – ગમે તેની જોડે લડી પડવું
  79. આંખો ઠરવી – સંતોષ મળવો
  80. ફના થવું – નાશ પામવો, પાયમાલ થવું
  81. ભણકારા વાગવા – ભવિષ્યની આગાહી થવી
  82. મનમાં રમવું – સ્મરણરૂપે વાગોળ્યા કરવું
  83. આંખ મળી જવી – થાક કે ચિંતાને કારણે મોડે મોડે નિદ્રા આવવી. ગયા .
  84. ભસ્મીભૂત કરવું –બાળીને નષ્ટ કરી નાખવું
  85. મહેનત ધૂળમાં મળવી – નિષ્ઠાથી કરેલું કામ નકામું જવું
  86. આંખે અંધારાં આવવાં – ભાન ગુમાવવું, સૂધબૂધ ખોઈ દેવું
  87. તળે ઉપર થઈ જવું – ખૂબ અધીરા બની જવું
  88. સત્યાનાશ વાળવું – ખેદાનમેદાન કરી દેવું , રફેદફે કરી
  89. એક આંગળીયે ધારવું – સર્વસત્તાધીશ થઈ જવું
  90. અછોઅછોવાનાં કરવાં – લાડ લડાવવાં, પ્રેમાગ્રહ કરવો
  91. ડાગળી ચસકી જવી – ગાંડા થઈ જવું, મગજ ફરી જવું
  92. મીઠા ઝાડનાં મૂળ કાઢવાં – સ્વાર્થ બુદ્ધિએ ભલું કરનારનો વધુ લાભ ઉઠાવવો
  93. ઇકોતેર પેઢી તારવી – પોતાના વંશની ઇકોતેર પેઢીનું નામ રોશન કરવું
  94. કંઠે ભુજાઓ રોપવી – વહાલથી ભેટી સત્કારવું.
  95. જાન ઊઘલવી – આનંદ ઉલ્લાસ સાથે જાન વિદાય થવી
  96. લેણાદેણી પૂરી થવી – લેવડદેવડનો સંબંધ પૂરો થવો
  97. અડવું લાગવું – શોભા વગરનું, સારું ન લાગવું; કાંઈક ખૂટતું, રુચિ બહાર લાગવું
  98. મન ભારે હોવું – ચિંતા કે દુઃખનો બોજ લાગવો
  99. ઘરભંગ થવું – (શ્રી મરવાથી) ઘર ભંગાવું કે પતિ – પત્ની વચ્ચે ઝઘડો થતાં કે અન્ય રીતે પત્નીનું ચાલ્યા જવું
  100. ગળગળા થઈ જવું – અતિશય દુઃખના ભાર નીચે બોલી ન શકાવું થઈ ગયો.

 

રૂઢિપ્રયોગ અર્થ અને એનો વાક્ય પ્રયોગ

૧. વેર વાળવું- શત્રુતા (અદાવત)નો બદલો લેવો

વાક્ય: આજે નકસલવાદીઓ વેર વાળવા નિર્દોષ જવાનોને મારી નાખે છે.

૨. રવાડે ચડવું- ખોટો માર્ગ લેવો

વાક્ય: એક વાર વ્યસનના રવાડે ચડી જાઓ પછી જિંદગી બરબાદ થઇ જાય.

૩. ચોર-નજરે નોંધી લેવું- ચોરી કરવાની દ્રષ્ટિથી મનમાં ટપકાવી લેવું

વાક્ય: આતંકવાદીઓ જ્યાં આંતક કરવો હોય તે જગ્યા ચોર-નજરે નોંધી લેતા હોય છે.

રૂઢિપ્રયોગ અર્થ

૪. સગડ કાઢવો- બાતમી મેળવવી

વાક્ય: પોલીસે ચોરને સગડ કાઢીને તેમને પકડી લીધા.

૫. હાથફેરો કરવો- ઉચાપત કરવી, ચોરી કરીને બધી જ વસ્તુઓ લઇ જવી

વાક્ય: ઝવેરીના દુકાનમાં ચોર હાથફેરો કરીને દસ લાખના ઘરેણા ઉપાડી ગયા.

૬. સરવાળા-બાદબાકી ન કરવી- કરવું કે ન કરવું એવી મથામણ ન કરવી

વાક્ય: આતંકવાદીઓને પોતાનું આતંકી કૃત્ય સારું કે નહિ તેની સરવાળા-બાદબાકી કરવાની આદત નથી હોતી.

૭. ડઘાઈ જવું- ગભરાઈને ચોંકી જવું

વાક્ય: ઘરમાં ઓચિંતા ઘુસેલા ચોરને જોઇને એકલા રહેતા ઘરડા માજી ડઘાઈ ગયા.

૮. ક્ષોભીલા બનવું- ભોંઠપ અનુભવવી, ઝંખવાણા પડી જવું

વાક્ય: પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ જતાં નીલેશ ક્ષોભીલો બની ગયો.

૯. હવાલે કરી દેવું- સોંપી દેવું

વાક્ય: ચોરીનો મુદ્દામાલ પકડી પાડીને, તે તેના માલિકને હવાલે કરી દીધો.

૧૦. અરધી અરધી થઈ જવી- હરખઘેલી થઈ જવી, આનંદવિભોર થઈ જવી

વાક્ય: પુત્રવધૂ આરતીને ઘેર ઘણાં વર્ષે પુત્રનો જન્મ થતાં દાદીમાં અરધા અરધા થઈ ગયાં.

૧૧.માન મુકાવવું- અભિમાન છોડાવવું

વાક્ય: સંદીપભાઈએ માન મૂકીને ભાગીદાર સાથે સમાધાન કરી લીધું.

૧૨. કર ઘસવું- હારી જવું, નાસીપાસ થઈ જવું

વાક્ય: ઘણાં પ્રયત્ન કરવા છતાં દાગીના પાછા ન મળતાં કરસન કર ઘસતો રહી ગયો.

૧૩. જોખી જોખીને બોલવું- ખૂબ વિચારીને બોલવું

વાક્ય: વિદ્વાનોની સામે ભાષણ આપવાનું આવે ત્યારે પૂનમ હંમેશા જોખીજોખીને બોલે છે.

૧૪. કામે લાગી જવું- કામમાં મંડી પડવું

વાક્ય: બહુ હસીમજાક ચાલ્યા પછી શિક્ષકે વિદ્યાર્થીઓને કામે લાગી જવા કહ્યું.

૧૫. રાવ ખાવી- ફરિયાદ કરવી

વાક્ય: દિનેશે ગુસ્સામાં આવી દુર્ગેશને લાફો મારી દીધો એટલે દુર્ગેશે તેના પિતા આગળ રાવ ખાધી.

૧૬. ઊણા ઊતરવું- નાના દેખાવું, નબળા પડવું

વાક્ય: અનુભવી શિલ્પીની કારીગરી પાસે બિનઅનુભવી શિલ્પીની કારીગરી ઘણી ઊણી ઊતરે.

૧૭. લોભ થવો- ઈચ્છા થવી

વાક્ય: સાડીની દુકાનમાં અનોખી ચંદેરી જોઇને દીપિકાને એ સાડી ખરીદવાનો લોભ થયો.

૧૮. ઠરી-ઠામ બેસવું- સ્થિર થઈ રહેવું

વાક્ય: જીવનમાં ખૂબ ઉધામ કર્યા પછી હવે શંકરલાલ ઠરી-ઠામ બેઠા છે.

૧૯. હરી લેવું- મોહી લેવું

વાક્ય: શ્રીકૃષ્ણે ગોકુળમાં ગોપીઓના મન હરી લીધાં હતાં.

૨૦. રોડવી લેવું- ચલાવી લેવું

વાક્ય: ઘરમાં ગોળ ખલાસ થઈ જતા મમ્મીએ કહ્યું કે આજે ગોળ વિના રોડવી લેશું.

૨૧. ઠઠયા રહેવું– લાચારી ભોગવવી, સમસમી જવું

વાક્ય: ખરે સમયે કિરીટે ઉછીના લીધેલા પૈસા પાછા ન આપતાં કેતનને પૈસા વિના ઠઠયા રહેવું પડયું.

૨૨. ભોંઠા પડવું- ક્ષોભીલા પડવું, શરમાવા જેવું થવું

વાક્ય: વિદ્યાર્થી વર્ગમાં સૌની હાજરીમાં ખોટું બોલતાં પકડાઈ જતાં તે ક્ષોભીલો પડી ગયો.

૨૩. ખોટી ઠરવી- જુઠા પડવું, જુઠા પુરવાર થવું

વાક્ય: સાસુએ દીકરાની હાજરીમાં વહુને ખોટી ઠરાવી.

૨૪. ચોર કોટવાળને દંડે- પોતે ગુનેગાર છતાં સામાને ગળે પડવું, તેના પર આરોપ મૂકવો

વાક્ય: પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જતાં સુરેશે ચોર કોટવાળને દંડે તેવું તેણે રમેશ સાથે કર્યું.

૨૫. ઘર ભાંગતું બચી જવું- ગૃહસ્થજીવન/ઘરસંસાર બરબાદ થતાં બચી ગયો

વાક્ય: વડીલે પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવતાં તેમનું ઘર ભાંગતા બચી ગયું.

૨૬. મરણપથારીએ પડવું- જીવનની અંતિમ અવસ્થાવાળી માંદગી આવવી

વાક્ય: ડોશી મરણપથારીએ પડતાં તેમણે સંસારમાંથી વૃત્તિ વાળી લીધી.

૨૭. ઉલાળઘરાળ ન હોવું- આગળ- પાછળની ચિંતા ન હોવી

વાક્ય: ધારાબેન પરણ્યા નહોતા એટલે તેમને ઉલાળઘરાળ જેવું કાંઈ નહોતું.

૨૮. વળતાં પાણી થવાં– (અંહી) રોગમાં સુધારો થવો

વાક્ય: રીનાબહેને પોતાની તબિયતનું સતત ધ્યાન રાખ્યું એનાથી તેમના વળતાં પાણી થયાં.

૨૯. અધીરા બની જવું- ઉતાવળા થઈ જવું

વાક્ય: મીના તેની પરીક્ષાનું પરિણામ જાણવા અધીરી બની ગઈ.

૩૦. વરદી આપી દેવી- સૂચના આપી દેવી, કામકાજ અંગેની ખબર આપવી

વાક્ય: શિક્ષકે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવાની વરદી આપી દીધી.

૩૧. રટણ કરવા મંડી પડવું- એકની એક વાતનું સતત રટણ કર્યા કરવું.

વાક્ય: મંદિરમાં ભક્તો ભજનનું રટણ કરવામાં મંડી પડયા.

૩૨. આડે આવવું- વચ્ચે આવવું, અવરોધરૂપ થવું

વાક્ય: ભિખારીઓ રસ્તામાં આડે આવી અમને પરેશાન કરતા હતા.

૩૩. સંકેત કરવો- ઈશારો કરવો

વાક્ય: છગનભાઈએ વાતવાતમાં મગનભાઈને ધંધામાં જોડાવાનો સંકેત કર્યો.

૩૪. હવાઈ કિલ્લા બાંધવા- અસંભવ કે અશક્ય મનોરથ સેવવા

વાક્ય: શેખચલ્લી હંમેશાં હવાઈ કિલ્લા બાંધવામાં હોશિયાર રહેતો.

૩૫. જીવ બળવો- સંતાપ થવો, દુઃખ થવું

વાક્ય: મમ્મી સામે બોલતાં તો બોલી ગઈ, પણ પાછળથી દીકરીનો જીવ બળ્યો.

૩૬. દિંગ થવું- આશ્ચર્યચકિત થઈ જવું

વાક્ય: કોરવની સૈના જોઈ અર્જુન દિંગ થઈ ગયા.

૩૭. આડું જોઈ સ્મિત કરવું- કોઈને ન દેખાય એ રીતે વાત પર હસવું

વાક્ય: અર્જુન યુદ્ધ કરવા નાં પાડતા દુર્યોધન આડું જોઈ સ્મિત કરવા લાગ્યા.

૩૮. શરીરમાં કાંટા ઘર કરી વસવા- શત્રુભાવ કાયમી થવો

વાક્ય: દુર્યોધન પાંડવો વિરુદ્ધ શરીરમાં કાંટા ઘર કરીને વસ્યો હતો.

૩૯. લોહીના ડાઘ ન જવા- કલંક દૂર ન થવું

વાક્ય: મહાભારતનું યુદ્ધ પૂરું થયાને ઘણો સમય થયો પણ અર્જુન પરથી લોહીના ડાઘ હજુ પણ ન ગયા.

૪૦. લોહીનાં આંધણ મુકાવા- અનેકના મૃત્યુ થવાં

વાક્ય: મહાભારતની યુદ્ધમાં લોહીનાં આંધણ મુકાયા હતા.

૪૧. દાવ ખેલાઈ જવો- યુદ્ધ પૂરું થવું

વાક્ય: કૃષ્ણનાં સમજાવ્યા પછી મહાભારના યુદ્ધનો દાવ ખેલાઈ ગયો.

૪૨. કાન બુઠ્ઠા હોવા- સંવેદના વિનાનું હોવું.

વાક્ય: અર્જુન મહાભારતની યુદ્ધમાં કાન બુઠ્ઠા કરીને લડયા હતા.

૪૩. લડાઈનો રંગ ચડાવવો- લડવા માટે પ્રોત્સાહિત કરવા કે ઉશ્કેરવા

વાક્ય: કૃષ્ણએ અર્જુનને સમજાવીને લડાઈનો રંગ ચડાવ્યો.

૪૪. શાંતિનો દાવ ખેલવો- શાંતિ માટે પ્રયત્ન કરવા

વાક્ય: મહાભારતના યુદ્ધ પહેલાં કૃષ્ણએ શાંતિનો દાવ ખેલ્યો.

૪૫. ખાંડ ખાવી- ભૂલ કરવી

વાક્ય: મહાભારતનું યુદ્ધ કરીને દુર્યોધનને ખાંડ ખાવી પડી.

૪૬. રાતી આંખે જોઈ રહેવું- ગુસ્સો દર્શાવવો

વાક્ય: દુર્યોધન પાંડવોને રાતી આંખે જોઈ રહ્યો હતો.

૪૭. ઝૂરી મરવું- વિયોગમાં ટળવળવું

વાક્ય: પ્રેમિકા પ્રેમીના યાદમાં ઝૂરી મરે છે.

૪૮. મુખ વાંચવું- મુખના હાવભાવ જાણવા

વાક્ય: પોલીસ ગુનેગારનું મુખ વાંચન કરવા લાગી.

૪૯. દેવ થવું– અવસાન થવું, મૃત્યુ થવું

વાક્ય: બા અચાનક દેવ થયાં એટલે પ્રવાસનો કાર્યક્રમ રદ કર્યો.

૫૦. વાત દાબી દેવી– વાત સમેટી લેવી

વાક્ય: વિદ્યાર્થીને પરીક્ષામાં ચોરી કર્યા બદલ પસ્તાવો થતાં શિક્ષકે તેને માફ કરીને વાત ત્યાં જ દાબી દિધી.

૫૧. ગાળ ખાઈ લેવી- અપશબ્દો સહન કરી લેવા

વાક્ય: સંજયની ભૂલ ન હોવા છતાં ગાળ ખાઈ લીધી.

૫૨. સુખ ઉપજવું- સારું લાગવું

વાક્ય: બીમાર પડેલી માં એ જયારે વિદેશથી આવેલા દીકરાનો ચેહરો જોયો ત્યારે થોડું સુખ ઉપજ્યું.

૫૩. મન ન થવું– ઈચ્છા ન થવી

વાક્ય: એકવાર તો માં ને દીકરાથી છુટું પડવા મન ન થયું.

૫૪. વાત પતાવી નાખવી– વાતનો અંત લાવવો

વાક્ય: સમયના અભાવે મગને વાત પતાવી નાખી.

૫૫. ચોંકી ઉઠવું- ચેતી જવું, નવાઈ પામવું

વાક્ય: મસ્તી કરતા વિદ્યાર્થીઓ શિક્ષકને સામે જોઇને ચોંકી ઉઠયા.

૫૬. મન ઢીલું પડવું– મનથી નિર્બળ થઈ જવું

વાક્ય: પિતાના અવસાન પછી માનું મન ઢીલું પડી ગયું હતું.

જો આ સિવાય કોઈ રુઢિપ્રયોગ આપને ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ વધારે સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.