You are currently viewing નિપાત એટલે શું? નિપાતના પ્રકારો જણાવો!

નિપાત એટલે શું? નિપાતના પ્રકારો જણાવો!

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય નિપાત એટલે શું? નિપાતના પ્રકારો વિશે માહિતી આપી છે. આ ઉપરાંત તમે આ માહિતી PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો. જેની લિન્ક પોસ્ટની નીચે આપેલી છે.

નિપાત એટલે શું?

કેટલાક ઘટકો એવા હોય છે જે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયાવિશેષણ અને ક્રિયાપદ સાથે આવીને જુદી જુદી અર્થછાયાઓ દર્શાવે છે, એમને ‘નિપાત’ તરીકે ઓળખવામાં આવે છે.

જુદા જુદા પ્રકારના વ્યાકરણની ભાષાના શબ્દો સાથે આવી ભાર, નિશ્ચય વગેરે જેવો અર્થ દર્શાવે તેવા ઘટકને નિપાત તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતી ભાષામાં ‘માત્ર’, ‘ખરું’, ‘સુધ્ધાં’, ‘જી’ , ‘હોં’, ‘જ’, ‘તો’, ‘પણ’, ‘થ’,  ‘છેક’, ‘ફક્ત’, ‘તદ્દન’, ‘સાવ’, જેવા નિપાત જોવા મળે છે. જેને આપને વિસ્તારપૂર્વક સમજીશું.

નિપાતના પ્રકારો જણાવો

નિપાતના પ્રકારો નીચે મુજબ છે.

  • ભાવવાચક નિપાત
  • સીમાવાચક નિપાત
  • પ્રકીર્ણ નિપાત
  • વિનયવાચક નિપાત

ભાવવાચક નિપાત

વાક્યમાં જયારે ભાર મુકવાનો હોય ત્યારે આ નિપાતનો ઉપયોગ થાય છે. જેમાં જ, તો, પણ, સુધ્ધાં, વગેરે પ્રકારના ભારવાચક નિપાતો છે.

ભારવાચક નિપાતના ઉદાહરણ:

  1. એનું કામ ધીમું ખરું.
  2. એણે મને પણ બોલાવ્યો.
  3. હું પણ આવ્યો હતો.
  4. આખરે રસ્તો પણ રાત્રે સુમસામ થઇ જાય છે.
  5. વૃક્ષો ઉપર પણ વસંત દેખાતી હતી.
  6. તમારે મારી સાથે આવવું છે ?
  7. અમે બે જણ ત્યાં ગયા હતા.
  8. નરસિંહની ભક્તિ સુધ્ધાં અદ્ભુત છે.
  9. મારે તો કાલે શાળાએ જવાનું છે.
  10. અમને તો કોઈ બોલાવતું નથી.
  11. ભક્ત થયા પણ ભક્તિનો અર્થ ન જાણ્યો.
  12. રાકેશને પણ તમારી સાથે આવવું હતું.
  13. તમે આવજો.
  14. તમે પણ આવજો.
  15. ભણેલાં સુધ્ધાં આવી ભૂલ કરે છે.
  16. તમે આજે વાંચવા બેઠા!
  17. હું તો જઈશ.
  18. આગળના વળાંકથી તમને રીક્ષા મળી  જશે.

સીમાવાચક નિપાત

જે પદ દ્વારા વાકયમાં સીમા અથવા મર્યાદાનો અર્થ અભિવ્યક્ત કરવાનો હોય ત્યારે સીમાવાચક નિપાતનો ઉપયોગ કરવાં આવે છે. તેમા મુખ્યત્વે ફક્ત, કેવળ, તદ્દન, માત્ર, સાવ, છેક વગેરે જેવા શબ્દોનો સમાવેશ થાય છે.

સીમાવાચક નિપાતના ઉદાહરણ:

  1. આ પેન ફક્ત પંદર રૂપિયાની છે.
  2. કેવળ રાજેશનું માન રાખવા સુરેશ આવ્યો.
  3. માત્ર પરગામથી ગગો પરણાવવા આવેલાંને આ વાતની જાણ નહોતી.
  4. પહેલાં તે માત્ર શરમથી મોટું સંતાડતો.
  5. માયાને તૈયાર થતાં ફક્ત દસ મિનિટ લાગે છે.
  6. એક વસ્તુની ખરીદી પર બીજી વસ્તુ તદ્દન મફત.
  7. તમે ગયા પછી હું સાવ એકલો પડી ગયો હતો.
  8. માત્ર એક કલાક માટે મને અહીં બેસવા દો.
  9. મને આ ખુશીની વાત છેક અમદાવાદ પહોંચીને ખબર પડી.
  10. તે સર્વના પરાક્રમની કૂંચી માત્ર એક જ હતી.
  11. અભણ રમઝ ડોસા પાસે શબ્દો નહોતા કેવળ સૂર હતા .
  12. ગાડું છેક નજીક આવ્યું.

પ્રકીર્ણ નિપાત

વાક્યમાં જ્યારે ખાતરી, વિનંતી, આગ્રહ અને અનુમતિ દર્શાવવાની હોય ત્યારે પ્રકીર્ણ કે લટકણિયાંરૂપ નિપાતનો ઉપયોગ કરવામાં આવે છે. આ નિપાતમાં ને, કે, તો, એમ કે, ખરો, ખરી, ખરું, ખરાં વગેરે જેવા શબ્દનો પ્રયોગ થાય છે. પ્રકીર્ણ નિપાતને લટકણિયાંરૂપ નિપાત તરીકે પણ ઓળખવામાં આવે છે.

પ્રકીર્ણ કે લટકણિયાંરૂપ નિપાતના ઉદાહરણ:

  • તમારી ચોપડી મને આપો ને!
  • તું આજે અહીંયા આવ્યો ખરો!
  • આ ખુરશી મારા સુધી લંબાવશો કે!
  • મને એમનું નામ કહો તો!
  • તમે કાલે અહીં આવજો તો ખરા!
  • બેટા છાયા, અહીં આવ તો!
  • તને એમ કે હું જવા દઈશ!
  • આ મારી જ પેન છે. ખરું ને!
  • હાશ મારું પરિણામ આજે આવ્યું ખરું!

એમ કે (અવધારણ વાચક)

  1. મને એમ કે તમે નહિ ચાલી શકો.
  2. શિક્ષકોને એમ કે મને દાખલો નહીં આવડે.
  3. મને એમ કે તમે આવશો.

હોં (અનુમતિ/ સ્વીકૃતિવાચક નિપાત)

  1. તમે આવજો હોં.
  2. તમે વાંચજો હોં.

વિનયવાચક નિપાત

વિનયવાચક નિપાત

વાક્યમાં આદર કે માન દર્શાવવાના હોય ત્યારે સીમાવાચક નિપાતનો ઉપયોગ કરવા આવે છે. ‘જી’ વિનયવાચક નિપાત છે.

વિનયવાચક નિપાતના ઉદાહરણ:

  1. બાપુજી, પૈસા મોકલાવો.
  2. જીજાજી, અહીં આપો.
  3. દરેક ગુરુજી વંદનીય હોય છે.
  4. કાલે શાળાએ સમયસર પધારશોજી.
  5. ભૂલચૂક માફ કરશોજી.
  6. પાત્રનો જવાબ લખશોજી.
  7. બહેનજી, મને ચાવી આપો.
  8. અમારી કંઈ ભૂલ હોય તો માફ કરશોજી.

અહી અમે નિપાત એટલે શું? નિપાતના પ્રકારોના ઘણા ઉદાહરણો આપ્યા, જો આ સિવાયના બીજા ઉદાહરણ આપને ધ્યાનમાં હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ ગુજરાતી ભાષાના વ્યાકરણના સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.